મુલાકાત: લેન્ગવેજ ડોમેન નામ વિશે પ્રો ટેન ટિન વી સાથે વાર્તાલાપ

 

Tan Tin Wee

 

 


         જો તમને તમારી ભાષા ગમતી હોય, તો તમારે પ્રોફેસર ટેન ટિન વીનું નામ જાણવું જ રહ્યું. આ હોંશીલા ભાષાવિદ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર(બાયોઈન્ફોર્મેટિક્સ સેન્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રી, યોન્ગ લેન સ્કુલ ઓફ મેડીસીન)માં કામ કરે છે અને તેમણે ભાષાઓ માટે, ખાસ કરીને ઈન્ટરનેટ પર ભારતીય ભાષાઓ માટે અદભુત કામ કર્યું છે. 

 

તેમના નેતૃત્વ હેઠળ, 1994માં સિંગાપોરે પ્રથમવાર ચાઈનીઝ વેબસાઈટ મૂકી, 1995માં તમિલ સ્ક્રીપ્ટ્સના ઉપયોગથી પ્રથમવાર તમિલ વેબસાઈટ મૂકી, અને 1996માં બહુભાષી વેબસાઈટ મૂકી. પરંતુ ભાષાઓ માટે તેમનો નોંધપાત્ર ફાળો છે, ‘ઈન્ટરનેશનલાઈઝ્ડ ડોમેન નેમ’(IDN) - આંતરરાષ્ટ્રીય ડોમેન નામની વિભાવના, જેના દ્વારા ડોમેનનું નામ ટાઈપ કરવામાં ભાષાઓનો ઉપયોગ થઈ શકશે. તાજેતરમાં તેમને કોઈમ્બતુરમાં યોજાયેલી 9મી તમિલ ઈન્ટરનેટ કોન્ફરન્સ, વર્લ્ડ ક્લાસિકલ તમિલ કોંગ્રેસ દ્વારા ‘તમિલ ઈન્ટરનેટ ફ્રન્ટિયર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

 

ભાષાઈન્ડીયા માટે એ ગૌરવભરી વાત છે કે શ્રી ટેન ટિન વીએ વિશિષ્ટ મુલાકાતની મંજૂરી આપી, ખાસ કરીને ભાષા કોમ્પ્યુટિંગ અને તેમાંય આંત્રરાષ્ટ્રીય ડોમેન નામના ઇતિહાસ, વિકાસ અને તક વિશે વાર્તાલાપ યોજ્યો. આ મુલાકાતના કેટલાંક અંશ અહીં પ્રસ્તુત છે -

 

પ્રશ્ન: પ્રોફેસર ટેન ટિન વી, આપની સાથે વાત કરવાની તક મળી, તે ભાષાઈન્ડીયા માટે આનંદની વાત છે. શું આપ અમને ‘ઈન્ટરનેશનલાઈઝ્ડ ડોમેન નેમ’(IDN) - આંતરરાષ્ટ્રીય ડોમેન નામના વિચાર વિશે કંઈ કહી શકશો?

 

ઉત્તર: ‘ઈન્ટરનેશનલાઈઝ્ડ ડોમેન નેમ’(IDN) - આંતરરાષ્ટ્રીય ડોમેન નામ દ્વારા તમે તમારી પોતાની, અંગ્રેજી-સિવાયની (જેમ કે હિન્દી, તમિલ કે કોઈપણ) ભાષામાં તમારું ડોમેન નામ રાખી શકશો. એનો અર્થ એ છે કે તમે અંગ્રેજી ડોમેન નામની જગ્યાએ ASCII સિવાયના અક્ષરનો ઉપયોગ કરી શકશો.

 

આંતરરાષ્ટ્રીય ડોમેન નામ વિશે વધુ વાત કરતાં પહેલાં આપણે ‘ડોમેન નેમ’ વિશે જોઈએ. ડોમેન નામ પોતાને ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) ના સંગ્રહ સાથે અજોડ રીતે જોડી દે છે, જેમ કે ઈન્ટરનેટ પર રહેલી કોઈ વેબસાઈટ. ડોમેન નામો ‘ડોમેન નેમ સિસ્ટમ’ને (DNS) આધારે બન્યા હોય છે. બેવસાઈટ સહેલાઈથી જાણી શકાય અને યાદ રહી શકે તેવા નામો આંકડાયુક્ત નામો કરતાં વધારે સારાં હોય છે, અને તે જ ડોમેન નામનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે. 15, માર્ચ 2010 સુધીમાં ડોમેન નામોની સંખ્યા 8.4 કરોડ થઈ ચૂકી છે! પરંતુ અફસોસ એ વાતનો છે કે આપણે વેબસાઈટની મુલાકાત લેવા માટે લેટિન અક્ષરમાં ટાઈપ કરવું પડે છે!

 

પ્રશ્ન: તો ડોમેન નામ બાબતે પ્રાદેશિક ભાષાઓ બાકાત શા માટે રહી ગઈ?

 

ઉત્તર: અમેરિકાના ઐતિહાસિક પ્રભુત્વ અને ‘આસ્કી’ અક્ષરોના સમૂહના સામાન્ય ઉપયોગને કારણે અંગ્રેજી સિવાયના ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓ પર અવરોધ આવ્યો. જેમની ભાષા અને સંજ્ઞા લેટીન છે, એમનાં કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ એવા લોકો વધારે કરે છે કે જેમની ભાષા અને સંજ્ઞા લેટીન નથી. પણ જાણે કોઈને તે લોકોની પરવા નહતી.

 

પ્રશ્ન: તો, પ્રાદેશિક ભાષામાં ડોમેન નામો માટે માંગ ક્યારે ઊભી થઈ?

 

ઉત્તર: જ્યારે 90ના દાયકામાં પ્રાદેશિક ભાષાઓમાં વેબ પેજ શરૂ થવાં માંડ્યાં, ત્યારે ભાષાના ડોમેન નામો માટે માંગ વધતી ગઈ. તેથી ભાષાપ્રેમીઓએ ‘આંતરરાષ્ટ્રીય ડોમેન નામ’ માટે દબાણ શરૂ કર્યું.

 

દુનિયાની 83 ટકા વસ્તી અંગ્રેજી-ભાષી ન હોવાથી, ડોમેન નામ પોતાની ભાષામાં હોવું જ જોઈએ. તેથી દુનિયાભરના મોટાભાગના ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓ, કે જેઓ પોતાની ભાષામાં ઈન્ટરનેટ નહતા વાપરી શકતા, તેમને માટે ઈન્ટરનેટને ઉપયોગી બનાવવા માટેનું પ્રથમ કદમ હતું, IDN.

 

માર્ટિન ડર્સ્ટે પહેલાં 1996માં IDN ની દરખાસ્ત મૂકી હતી. મને ગર્વ છે કે તે વખતે મારા નેતૃત્વ હેઠળ પ્રયોગો અજમાવવામાં આવ્યા હતા અને છેવટે IDN ને અમલમાં મૂકવામાં આવ્યું. ‘ઈન્ટરનેશનલાઈઝીંગ ડોમેન નેમ્સ ઈન એપ્લીકેશન્સ’ (IDNA) નામની સિસ્ટમ એક આદર્શરૂપ સ્વીકારવામાં આવી અને કેટલાંક ઉચ્ચ કક્ષાના ડોમેનમાં તેને અમલમાં મૂકવામાં આવી.

 

પ્રશ્ન: શું અત્યારે કોઈને નોંધણી કરીને ‘આંતરરાષ્ટ્રીય ડોમેન નામ’ વાપરવું હોય, તો તે શક્ય છે?

 

ઉત્તર: જેમ મેં પહેલાં જણાવ્યું, તેમ 1998થી કાર્ય યોજનાઓ ઘડાઈ ગઈ છે અને તેની પાછળ કામ ચાલુ જ છે. (IDN) સિસ્ટમને આદર્શ બનાવવા માટે એક સંસ્થા રચાઈ છે, જેનું નામ છે, ‘ઈન્ટરનેટ કન્સોર્ટિઅમ ફોર એસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’ (ICANN).


સિધ્ધિ પ્રાપ્ત કરતાં દસ વર્ષ લાગી ગયાં. ઓક્ટોબર 2009માં, ICANN-એ ઈન્ટરનેટના આંતરરાષ્ટ્રીયકરણ થયેલા દેશના કોડના ઉચ્ચ-કક્ષાના ડોમેન નામો, કે જેઓ પ્રાદેશિક ભાષા લિપિ માટે IDNA ને આદર્શ રાખી ઉપયોગ કરતા હોય, તેમના સર્જનની મંજૂરી આપી. મે 2010માં સૌ પ્રથમ IDN દેશના કોડના ઉચ્ચ-કક્ષાના ડોમેન નામો, DNS ના ‘રૂટ ઝોન’ મૂળ પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવ્યા.

હવે, i-DNS.net જેવી કંપનીઓ છે, જે 60 કરતાંય વધારે ભાષાઓમાં ડોમેન નામની નોંધણી કરી આપે છે. ભાષાઓની યાદી જલદીથી વધશે.

 

પ્રશ્ન: ખૂબ સરસ! તો, હવે આપણને હિંદી, તમિલ અને મલયાલમ ડોમેન નામો જલદીથી જોવા મળશે! પરંતુ, પોતાની ભાષામાં ઈન્ટરનેટ ડોમેન નામ હોવાથી ભાષા કોમ્પ્યુટિંગને કેવી રીતે લાભ મળશે?

 

ઉત્તર: ભાષા કોમ્પ્યુટિંગનો મૂળ મુદ્દો એ છે કે કોમ્પ્યુટરના લાભ આમજનતા સુધી પહોંચાડવા. દરેક માનવીને પોતાની ભાષામાં ઈન્ટરનેટ મેળવવાનો હક્ક છે. એકવાર કોઈ વ્યક્તિને ભાષાના અવરોધો દૂર કરીને માહિતી મેળવવાનો હક્ક કે તક મળી જાય, તો તેને પોતાને તેનો સમાવેશ થયેલો હોય, તેમ લાગે છે, તે સંસ્કારી નાગરિક બને છે અને બધી જ વસ્તુઓનો, ખાસ કરીને માહિતી અને જ્ઞાનનો ઉપભોક્તા બને છે. જે લાભો IDN થી મળશે, તેમાંનું આ સૌથી વધારે અગત્યનું છે.

 

દુનિયાની મોટાભાગની વસ્તી અંગ્રેજી ભાષા બોલતી નથી. થોડું પણ અંગ્રેજી ન આવડતું હોય, તેને માટે ઈન્ટરનેટ પરની સામગ્રી મેળવવી બહુ જ મુશ્કેલ છે. એ સાચું છે કે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાઓ આવી ગઈ છે. પણ કોઈ વ્યક્તિ તેને મેળવશે કેવી રીતે ? અંગ્રેજીની પૂરી જાણકારી વગર, તે ડોમેન નામ ટાઈપ નહીં કરી શકે (વેબસાઈટ એડ્રેસ). જો આપણે આ અવરોધ હટાવીએ, તો બધાં જ લોકો ઈન્ટરનેટ વાપરવાનું અને તેનાથી મળતા લાભ મેળવવાનું શરૂ કરશે. તેઓ ઈન્ટરનેટ પર તેમની ભાષા સમૃધ્ધ બનાવવામાં ફાળો આપશે. આ રીતે, IDN દ્વારા ભાષા કોમ્પ્યુટિંગને મદદ મળશે.

 

પ્રશ્ન: ASCII અથવા લેટિન નામના ડોમેન નામની જેમ, અંગ્રેજી ન જાણતા હોય, તેને માટે ઈ-મેલ આઈડી પણ એક બીજો અવરોધ છે. તેમને તેમની ભાષામાં ઈમેલ-આઈડી ક્યારે મળશે?

 

ઉત્તર: તાજેતરમાં, ICANN એ, ઉચ્ચ કક્ષાના IDN ની પ્રસ્તાવના મંજૂર કરી. આનાથી ઈમેલમાં અંગ્રેજી મૂળાક્ષર હોવા જોઈએ, તે અવરોધ દૂર થયો છે. તેથી, ઉપભોગકર્તાઓને હવે તેમની પોતાની ભાષામાં ઈમેલ આઈડી મળી શકશે.

 

પ્રશ્ન: જેમ તમે જાણો છો, તેમ હમણાંથી ભાષાઈન્ડીયાના પોર્ટલ પર અંગ્રેજી તથા ભારતની મોટા ભાગની ભાષાઓમાં ભાષા કોમ્પ્યુટિંગના વિષયને આવરી લેવામાં આવ્યો છે. ભાષા કોમ્પ્યુટિંગના પ્રેરકબળ અને નિષ્ણાંત હોવાના નાતે તમે ઈન્ડીક ભાષા કોમ્પ્યુટિંગ માટે

ભાષાઈન્ડીયાના પ્રયત્નોને કેવા ગણાવશો? શું તમારું કોઈ સૂચન છે?

 

ઉત્તર: મેં ભાષાઈન્ડીયા જોયેલું છે અને જ્યારે ભારતીય ભાષાના સંદર્ભમાં મારે કંઈ જાણવું હોય, તો હું તેનો સહારો લેતો હતો. તાજેતરમાં મેં શ્રી મનીયામ (i-DNS.net International Inc) ની મુલાકાત વિશે વાંચ્યું હતું. ભાષાઈન્ડીયાના પ્રયત્નોની હું ખૂબ જ પ્રશંસા કરું છું. 

મારું સૂચન છે કે તેને વધારે આકર્ષક રિસોર્સ સેન્ટર બનાવો. સામાન્ય માનવીઓને આવીને જોવા દો કે કોમ્યુટર તેમને માટે પણ હાજર છે. તમારો વિષય સરળ અને સામાન્ય ભાષામાં રાખો. ઈન્ફોર્મેશન ટેકનોલોજીની અસીમ તાકાત વિશે લોકોને જણાવો. તેમને જણાવો કે અંગ્રેજીનો ભય ન રાખો કારણ કે હવે તેમને તે પ્રાદેશિક ભાષાઓમાં પણ મળવા માંડ્યું છે.