ડૉ.નીલાદ્રી સેખર દેશ

 

ડૉ.નીલાદ્રી સેખર દેશ સાથે એક મુલાકાત, તેઓ હાલમાં ઈન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટ, કોલકતાના લિન્ગ્વીસ્ટીક રિસર્ચ યુનીટ સાથે સંકળાયેલા છે. 
ડૉ.નીલાદ્રી સેખર દેશે અગત્યના, પ્રશંસાલાયક કાર્યો કર્યાં છે. તેઓ ભારતીય ભાષાઓના ટેકનોલોજીકલ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં તેમજ ભારતીય ભાષાઓના ટેકનોલોજી ઉકેલ માટે કાર્યરત રહ્યા છે. વર્તમાનમાં તેઓશ્રી આવાં અને બીજાં ઘણાં પ્રોજેક્ટમાં કાર્ય કરી રહ્યા છે, જેવાં કે- બંગાળી ભાષાના વિભીન્ન ઈલેક્ટ્રોનીક શબ્દકોશનું નિર્માણ, માહિતીને આધારે દસ્તાવેજીકરણ અને બંગાળી ઈલેક્ટ્રોનીક વાચા તેમજ ભાષાના સંગ્રહના આર્કાઈવ્ઝ કરવાં, ILCI અને ઘણાં બધાં.

 

તેમની નિપુણતાનું ક્ષેત્ર છે, કોર્પસ લિન્ગ્વીસ્ટીક્સ, એટલે વિશિષ્ટ લખાણોને એકત્રિત કરવાં, ભાષા ટેકનોલોજી વિકસાવવી, સામાન્ય ભાષા પ્રક્રિયા, મશીન દ્વારા અનુવાદ, વગેરે. તેમણે આ ક્ષેત્રે સામાન્ય રીતે ભાષાશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે.

 

(શૈક્ષણિક) ડૉ.દેશ કોલકતા યુનિવર્સીટીમાંથી ભાષાશાસ્ત્રમાં પી.એચડી ધરાવે છે, તેમણે તેમનું એડવાન્સ્ડ નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગનું ટેકનીકલ શિક્ષણ આઈ.આઈ.ટી., કાનપુરમાંથી અને આર.સી.સી., જાદવપુરમાંથી મેળવેલું છે.


(પ્રકાશન) ડૉ.દેશે અનેક પુસ્તકો, સંશોધનપત્રો અને પુસ્તકસમીક્ષા લખ્યાં છે. તેમનાં લેખો ઘણાં પુસ્તકો અને મેગેઝીનોમાં છપાયાં છે, તેમજ ઘણી કોન્ફરન્સ અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સેમીનારોમાં રજૂ પણ થયાં છે. પ્રાધ્યાપકો પણ ભાષાશાસ્ત્રના અનુસ્નાતકો અને સંશોધકોને ડૉ.દેશના પુસ્તકો વાંચવાની સલાહ આપે છે.

(મહત્ત્વાકાંક્ષા) તેમની ભાવિ યોજનામાંની કેટલીક છે, ભારતીય ભાષાઓમાં લર્નર કોર્પોરાના ઉત્પાદન પર કામ કરવું; ભાષા અને લખાણની પધ્ધતિઓ માટે સાધનો વિકસાવવા; અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં દ્વિભાષી શબ્દકોશ બનાવવા; અંગ્રેજીમાંથી બંગાળીનો યાંત્રિક અનુવાદ થાય તેવી કોર્પસ આધારિત યંત્ર દ્વારા અનુવાદની પદ્ધતિ ડિઝાઈન કરવી; ભારતીય ભાષાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવો ઓનલાઈન શબ્દકોશ વિકસાવવો; ભારતીય ભાષાઓમાં ઈલેક્ટ્રોનીક ભાષાઓનો સંગ્રહ વિકસાવવો, વગેરે.

 

પ્રશ્ન: ડૉ.નીલાદ્રી સેખર દેશ, તમે ભાષાશાસ્ત્રના લક્ષણોથી પ્રભાવિત કેવી રીતે થયા? 

સાચું કહું તો હું ભાષાઓથી જ જીવંત છું. મારા યૌવનકાળની શરૂઆતમાં જ, જ્યારે હું ધોરણ 8 માં ભણતો હતો, ત્યારથી જ મને આ ક્ષેત્ર તરફ આકર્ષણ થયું હતું. હું નસીબદાર છું કે મારી આ ભાવના અને મારો વ્યવસાય ભાષાશાસ્ત્ર તરફ જ કેન્દ્રિત થયો છે અને આથી જ હું ભાષા અને ભાષાશાસ્ત્રની સેવા કરવા માટે પ્રેરિત થયો છું. છેલ્લા 18 વર્ષથી, હું વધારે નહીં, તો રોજનો અડધો દિવસ તો ભાષાઓ પ્રત્યે ગાળું છું. હું ભાષાને મારી બીજી માતા ગણું છું અને તેથી તેની હૃદયપૂર્વક સેવા કરું છું. ભાષા એ મારો પ્રેમ છે, મારો વ્યવસાય છે અને મારો ફુરસદનો સમય પણ એ જ છે. મારા કેટલાંક સીનીયરો મને કહે છે, કે “જો દુનિયામાંથી ભાષાની નાબૂદી થઈ જાય, તો નીલાદ્રી તો તત્કાળ મૃત્યુ પામે.” 


પ્રશ્ન: અને તમારો પ્રોફાઈલ વાંચીને તો અમે તે પ્રેમ અને વ્યવસાયનો અનુભવ કરી જ શકીએ છીએ, ડૉ.દેશ! શું અમે પૂછી શકીએ કે તમારી દ્રષ્ટિએ ‘ભાષા’ એટલે શું?
મારે માટે ભાષા એ માત્ર વાણીવ્યવહાર અને અભિવ્યક્તિનું જ માધ્યમ નથી. તે તેના કરતાં ઘણું વધારે છે.


પ્રશ્ન: શું તમે તે સમજાવી શકશો?
હા. હું ઘણીવાર કહું છું કે “ભાષા એ તમારી ઓળખ છે.” એટલે કે, આપણે કોઈ વ્યક્તિને તેની ભાષા મારફતે ‘જાણી’ શકીએ છીએ: આપણે તેના દ્વારા ઉપયોગ કરાયેલી ભાષા વિશે જાણી શકીએ છીએ, તે કઈ જાતની વ્યક્તિ છે, તે જાણી શકીએ છીએ, તે કયા સમાજમાં રહે છે, તે જાણી શકીએ છીએ, તે કયા સમૂહ સાથે વાતચીત કરે છે, તે જાણી શકીએ છીએ, તેનું મન કેવું હોઈ શકે તે જાણી શકીએ છીએ, તે કયા સમયમાં જીવે છે, તેનાં વલણો કેવાં હોય છે, તેને કેવાં લક્ષ્યો સાધવા છે અને તેની પરિસ્થિતિ વિશે આપણે તેની ભાષા દ્વારા જાણી શકીએ છીએ. જ્યારે આ બધું ઈતિહાસ અને સંસ્કૃતિ, વર્તમાન અને ભૂતકાળ અને વિકાસ અને સમાજના સંદર્ભમાં જોઈએ તો ભાષાના લક્ષણો ખૂબ આકર્ષક ગણી શકાય. 


પ્રશ્ન: એક ઈતિહાસકારની જેમ?
એક ભાષાકાર તરીકે હું મારી જાતને એક અન્વેષક કે ખોદકામ કરી રહેલા ઉત્ખનક જેવી ગણું છું, જે સમયની રેતમાં દટાઈ ગયેલા જીવન, સંસ્કૃતિ અને સમાજની સંપત્તિ ખોદી કાઢવાનો પ્રયત્ન કરે છે.


પ્રશ્ન: જરૂર. અને સમાજ માટે તે સારી સેવા છે. ડૉ.દેશ, તમે ઈન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટમાં કાર્યની શરૂઆત કેવી રીતે કરી, તે જાણવું ગમશે.

મેં મારી કારકિર્દીની શરૂઆત 1992માં, બુવનેશ્વર ખાતે આવેલા ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ એપ્લાઈડ લેન્ગવેજ સાયન્સીઝમાં એક ભાષાશાસ્ત્રી તરીકે કરી. 1995થી, હું કોલકાતે ખાતે આવેલા ઈન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટમાં કામ કરી રહ્યો છું. મારું કાર્યક્ષેત્ર છે, કોર્પસ ભાષાશાસ્ત્ર, ભાષા ટેકનોલોજી, નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ અને એપ્લાઈડ લિન્ગ્વીસ્ટીક્સ અને મારું ધ્યેય છે મારી ભાષા અને મારા લોકોની સેવા.

 

પ્ર: ઈન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટમાં શું છે? તેમાં કઈ જાતની સગવડ છે?

આમ તો કોલકતાનું ઈન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટીટ્યુટ મુખ્યત્વે દેશ અને દેશના લોકોના લાભાર્થે જ્ઞાનના દરેક ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપે છે, પરંતુ હકીકત એ છે, કે અહીં ભાષાશાસ્ત્ર પ્રતિ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, અને ક્યારેક તેને કોઈ જાતનું પોષણ તો નથી મળતું પણ તેના તરફ વર્તન પણ ખરાબ રાખવામાં આવે છે. ભાષાશાસ્ત્રી તરીકે મને ઈન્સ્ટીટ્યુટ તરફથી, વહીવટીય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી બહુ જ મોળો પ્રતિસાદ મળ્યો છે અને તે ઈન્સ્ટીટ્યુટના કારભારની બેપરવાઈ છે. 


પ્રશ્ન: ઓહ. આશા રાખીએ કે પરિસ્થિતિ બદલાય.
કોને ખબર. આ પરિસ્થિતિ ચાલુ જ છે અને મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં કશું જ બદલાશે નહીં.
પ્રશ્ન: ડૉ.દેશ, અમે ભાષાશાસ્ત્ર વિશે વધુ જાણવા માંગીએ છીએ. શું તમે અમને કહેશો કે કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે ગણિતનો શું સંબંધ છે?
ગણિત એ કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે જોડાયેલો ભાગ છે. એ કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે જોડાયેલી સંશોધન અને વિકાસને લગતી કેટલીક પ્રવૃત્તિઓ ગણિતના દ્રષ્ટાંતો, નિયમો અને ગણતરી સાથે સીધી જ જોડાયેલી છે. દાખલા તરીકે, ડીજીટલ ભાષા કોર્પોરા સંગ્રહને લઈએ તો કોર્પસની પ્રક્રિયાઓ, લખાણનું આરોપણ, માહિતીની પ્રાપ્તિ, ડેટા શોધી લાવવો -ડેટા માઈનીંગ, યંત્ર દ્વારા અનુવાદ, મશીન શીખવું, પૃથક્કરણ કરવું, વાચાનો સમન્વય, લખાણનું વાચામાં રૂપાંતર, વગેરેમાં અમારે કામ સાધવા માટે ગણિતના મોડેલ, પધ્ધતિઓ, તરકીબો, અર્થઘટનો વગેરેનો સીધો ઉપયોગ કરવાનો હોય છે.


પ્રશ્ન: અને કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે?

કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્રના લગભગ બધાં જ પેટા-ક્ષેત્રો વિજ્ઞાનનો સહારો લે છે, જેમ કે ડેટાનો સંગ્રહ કરવો, તેનું વર્ગીકરણ કરવું, પૃથક્કરણ કરવું, અર્થઘટન કરવું, તર્ક બેસાડવો તેમજ થિયરી, સાધનો, પદ્ધતિઓના વિકાસમાં ડેટા અને માહિતીનો ઉપયોગ કરવો.


પ્રશ્ન: એનો અર્થ એ થયો કે વ્યક્તિને ભાષા, ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન હોવું જરૂરી છે?
ખરેખર કહીએ, તો કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર એ એક અલગ પ્રકારની શાખા છે, જેમાં ભાષા અને વિજ્ઞાન, બંનેએ એકસરખી ભૂમિકા ભજવવાની છે. કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર માટે પધ્ધતિઓ, સાધનો અને યોજનાઓ વિકસાવવાના કેટલાક તબક્કે, ગણિત, સ્ટેટીસ્ટીક્સ, પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ધ્વનિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, મજ્જાતંતુશાસ્ત્ર, ચિંતનશાસ્ત્ર, માનવજાતિ વિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, રૂઢિશાસ્ત્ર, વગેરે જેવા ક્ષેત્રોમાંથી મળતી માહિતી અનિવાર્ય બની જાય છે.


પ્રશ્ન: સ્ટેટીસ્ટીક્સ -આંકડાશાસ્ત્ર પણ ? કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે સ્ટેટીસ્ટીક્સ કેવી રીતે સંકળાયેલું છે?

સ્ટેટીસ્ટીક્સ પણ કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્ર સાથે સીધેસીધું સંકળાયેલું છે. ખાસ કરીને ભાષાના ડેટાનો સંગ્રહ કરવામાં, કોર્પસના સંકલનમાં, ભાષા ઉપર પ્રક્રિયા કરવામાં, ભાષાના ડેટા મેળવવા અને પૃથક્કરણ કરવામાં અને આંકડાના જુદા જુદા સિદ્ધાંતો અને પદ્ધતિઓનો કોમ્પ્યુટેશનલ ભાષાશાસ્ત્રમાં ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે.

 

પ્રશ્ન: એટલે કે?
જેમ કે, હું જ્યારે ભારતીય ભાષા (ખાસ કરીને બંગાળી) માટે લખાણના સંગ્રહને ભેગો કરીને તેનું પૃથક્કરણ કરતો હોઉં, ત્યારે મારે કેટલાંક સ્ટેટીસ્ટીકલ પ્રોસેસ વાપરવા જ પડે છે, જેમકે ચિ-સ્ક્વેરટેક્સ, ટી-ટેક્સ્ટ, ANOVA ટેસ્ટ, પીઅરસન કોરલેશન, મલ્ટીડાયમેન્શનલ સ્કેલીંગ, ફેક્ટર એનાલીસીઝ વગેરે, કે જેથી અક્ષરોને એક પછી એક ભાગમાં મૂકી શકાય, શબ્દોમાં જોડણીની ભૂલ શોધી શકાય, લખાણમાં ખરેખર કેવી ભૂલ થાય, શબ્દોની લંબાઈ આશરે કેટલી હોય તે ગણવી, વગેરે.


પ્રશ્ન: આ તો અત્યંત રસપ્રદ છે. ડૉ.દેશ, બંગાળી /કે અન્ય કોઈ ભારતીય ભાષામાં ઈતિહાસ, બોલી, વગેરે જેવી ભાષાની દ્રષ્ટિએ શું ખાસિયત હોય છે?

દરેક ભારતીય ભાષામાં લગભગ આ લક્ષણો હોય છે. અહીં હું બંગાળીના સંદર્ભમાં સમજાવીશ.

ઈતિહાસ: બંગાળી આજની દુનિયામાં વધારેમાં વધારે (ક્રમાનુસાર પાંચમો કે છઠ્ઠો) બોલાઈ રહેલી ભાષા છે. અન્ય પૂર્વીય ઈન્ડો-આર્યન ભાષા જેમ, બંગાળી ભારતીય પ્રદેશમાંની પૂર્વ મધ્ય ઈન્ડીક ભાષા તરીકે જન્મી. ઈતિહાસની દ્રષ્ટિએ, મધ્ય બંગાળી સમયથી બંગાળી પર તેના શબ્દભંડોળ અને વ્યાકરણ પર સંસ્કૃતની જબરદસ્ત પકડ રહી છે. આ રીતે જોઈએ તો બંગાળી અને મરાઠી લગભગ સરખી કહી શકાય કારણ કે તેમના શબ્દભંડોળમાં સંસ્કૃતની અસર છે, જ્યારે હિન્દી અને અન્ય ભાષાઓ જેવી કે પંજાબી, સિંધી અને ગુજરાતી પર અરબી અને ફારસીની અસર ઘણી છે.


અધિકૃત દરજ્જો: પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના રાજ્યમાં તે અધિકૃત ભાષા છે, પણ ભારતીય અન્ય પ્રદેશો જેવા કે આંદાબાર અને નિકોબાર આઈલેન્ડ, ઝારખંડ, બિહાર અને બીજાં કેટલાંક પ્રદેશોમાં પણ બંગાળી બોલાય છે.


બોલીઓ: પ્રાદેશિક વૈવિધ્યથી બોલવામાં આવતા બંગાળીમાં બોલી બને છે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં, બંગાળીનું સામાન્યકરણ કરવામાં આવ્યું અને કોલકતા (બંગાળનું સાંસ્કૃતિક અને વહીવટીય પાટનગર) અને તેની આજુબાજુમાં જે ભાતની બોલી બોલાઈ રહી હતી, તેને સામાન્ય બંગાળી તરીકે સ્વીકારવામાં આવી.


લખવા અને બોલવાની ભાત: બંગાળીમાં લખવામાં જુદું અને બોલવામાં જુદું નથી હોતું, કેટલાંક વિદ્વાનોએ બંગાળીને ખોટી રીતે દ્વિભાષિતા હોવાનું જણાવ્યું છે. ભાષાની જે બે શૈલી છે, તે આમ જોઈએ તો અલગ શબ્દકોશ અને રચનામાંથી આવી છે: શાધુ ભાષા અને ચલિત ભાષા. ઉદાહરણ તરીકે, ભારતનું રાષ્ટ્રગીત (જનગણમન અધિનાયક જય હે) અને વંદે માતરમ, શાધુ ભાષામાં રચાયેલા છે.


લેખનશૈલી: બંગાળી લેખનશૈલી કંઈ ખરેખર શુધ્ધ મૂળાક્ષરને લગતી નથી. બંગાળી લિપિ, એ પૂર્વ નાગરી લિપિનો જ એક પ્રકાર છે, અને પૂર્વ ભારત (આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને બિહારના મીથીલા પ્રદેશ) તેમજ બાંગલાદેશમાં વપરાય છે. આ લિપિની ખૂબી એ છે કે તેના વ્યંજનો અને શબ્દસમૂહોમાં જે ‘અંતર્ગત’ સ્વરનો અવાજ છે, તે તેના ઉચ્ચારમાં જોવા મળે છે.


જોડણી-ઉચ્ચારનો વિરોધાભાસ: 19મી સદીમાં કેટલાંક સુધારા થયા પછી પણ બંગાળી જોડણી વ્યવસ્થા હજી એવી જ, સંસ્કૃતને આધારે જ છે અને તેથી જ બોલવાની ઢબમાં થયેલા અવાજના મિશ્રણને ગણકારતી નથી.

 
ધ્વનિશાસ્ત્ર: બંગાળીમાં 29 વ્યંજનો અને 14 સ્વરો (7 મૌખિક + 7 નાસિક સ્વરો) આવેલા છે. આ ભાષામાં એક જ અક્ષરમાંના સંયુક્ત સ્વરોની (સ્વરસમૂહ) વિવિધતા ઘણી છે. કેટલાક અપવાદ સિવાય, બંગાળી શબ્દો માટે, સૂર કે તેની તીવ્રતાનું મહત્ત્વ ઓછું છે, જોકે વાક્ય માટે સૂર અગત્યનો ભાગ જરૂર ભજવે છે. બંગાળીમાં સ્વરની લંબાઈ ભિન્ન હોતી નથી. બધાં સ્વરો સરખા હોવાથી ‘ટૂંકો સ્વર’ અને ‘લાંબો સ્વર’ એવો કોઈ ખાસ તફાવત નથી હોતો.


શબ્દરૂપ અને વાક્યરચના: બંગાળી શબ્દોની જાતિ નથી હોતી. તેથી વિશેષણને થોડું જ બદલવાનું હોય છે. બંગાળી અન્ય ઈન્ડો-આર્યન ભાષાઓથી જુદી પડે છે, કે ક્રિયાપદનું કોઈ રૂપ હોતું નથી. આ રીતે જોઈએ તો બંગાળી રશિયન અને હંગેરીયન ભાષા જેવી છે.


શબ્દભંડોળ: આધુનિક બંગાળી શબ્દોના સ્ત્રોત છે તદભાબા, તત્સમા, દેશી અને વિદેશી. બંગાળીમાં 1,00,000 અલગ શબ્દો છે, જેને તત્સમા ગણાય (એટલે કે સંસ્કૃતમાંથી સીધા લેવાયા હોય), 21,200 શબ્દો તદભાબા છે અને બાકીના વિદેશી અને દેશી છે. યુરોપીયનો, મોગલો, અરબી, તુર્કી, ફારસી, અફઘાન અને પૂર્વ એશિયનો સાથેના સદીઓના સંપર્કથી બંગાળીમાં ઘણાં શબ્દો પરદેશી ભાષાઓનાં પણ છે.
ડૉ.નીલાદ્રી સેખર દેશ, તમારી સાથેનો વાર્તાલાપ રસપ્રદ રહ્યો. અમારા વાચકો તમારા આભારી રહેશે. આભાર!