Skip Ribbon Commands
Skip to main content

મુલાકાત: રૂપલ મહેતા

 

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત’, જેનો અર્થ છે કે ગુજરાતી લોકો જ્યાં પણ રહેવા માંડે છે, ત્યાં તેમના દિલમાં કાયમ માટે ‘ગુજરાત’ પણ ધબકતું જ હોય છે. 

ઈન્ડીક સમાજને ઘડનાર, ગુજરાત ઓનલાઈન, સહજ જ્યોત વગેરેના સ્થપતિ, શ્રીમતી રૂપલ મહેતા સાથે મુલાકાત..
  
પ્રશ્ન: અમને તમારા અને ઈન્ડીક ભાષા સમાજના વિકાસ માટેની તમારી ઉત્કટ ભાવના વિશે વધારે જાણવું ગમશે.

હું એક કોમર્સ ગ્રેજ્યુએટ છું અને ભારતમાં આવેલા અમદાવાદમાં, મારા પતિ અને બે પુત્રો સાથે રહું છું. અમારા કુટુંબનો મુખ્ય વ્યવસાય કાપડનો છે. મારા વ્યવસાય તરીકે હું વેબસાઈટ્સ વિકસાવું છું તેમજ પુસ્તકો અને વેબસાઈટ્સનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરું છું. આ સિવાય, હું કેટલીક સંસ્થાઓમાં સ્વયંસેવા આપી રહી છું. હું આ બધું જાતે શીખી-વિચારીને મારા શોખને કારણે કરી રહી છું, મને જીવનમાં નવી વસ્તુઓ શીખવાની ધગશ પહેલેથી જ છે. નાનપણથી મને વાંચવાનો ખૂબ શોખ હતો અને મને ભેટ તરીકે પુસ્તકો મળે તો હું ખૂબ ખુશ થઈ જતી હતી. શક્ય હોય તો મને કોઈને મદદ કરવાની હરહંમેશ ગમે. હું ધારું છું કે મેં મારી ઉત્કટ ભાવનાઓ વિશે બધું જણાવી દીધું! 

 

તમારા શૈક્ષણિક સંસ્કારનું ક્ષેત્ર કોમર્સ છે અને તમારો મુખ્ય વિષય એકાઉન્ટ્સ હતો. તો એ જાણવું રસપ્રદ છે કે તમારી કારકીર્દિ કોમ્પ્યુટર અને સોફ્ટવેર ડેવેલપમેન્ટ સાથે રહી. તમને આમાં રસ કેવી રીતે પડ્યો?
કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા પછી, મેં મારા કૌટુંબિક વ્યવસાયના એકાઉન્ટ્સ ખાતામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1982-83 માં ઓફિસમાં એક કોમ્પ્યુટર (ZX-સ્પેક્ટ્રમ) ખરીદવામાં આવ્યું હતું અને મને તેમાં ખૂબ રસ પડ્યો કારણકે તેનાથી અમને એકાઉન્ટ્સ વિભાગમાં ઘણી મદદ મળી શકે તેમ હતું. પણ કોઈકે મશ્કરી કરી અને મ્હેણું માર્યું કે આને મશીન કહેવાય, તે પુરુષો માટે હોય છે, સ્ત્રીઓ માટે નહીં. બસ, મેં તેને પડકાર ગણીને ઝીલી લીધું અને બેઝીક પ્રોગ્રામીંગ શીખવા માટે એક ટૂંકો કોર્સ લઈ લીધો. પ્રોગ્રામીંગમાં મને ખૂબ જ રસ પડ્યો અને તે પછી મેં કોબોલ પણ શીખી લીધું. તે શીખતાવેંત એક સોફ્ટવેર ડેવેલપમેન્ટ કરતી પ્રાઈવેટ કંપનીએ મને કામ સોંપ્યું. તે પછી કોર્પોરેટ કંપનીઓ માટે કોબોલમાં પ્રોગ્રામ કરવાથી માંડીને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુધીનું મારું કામ શરૂ થઈ ગયું. જે ભાઈએ મ્હેણું માર્યું હતું, તેમનો ખૂબ આભાર કારણકે મારી કારકિર્દી હવે નવા વળાંક પર આવી ગઈ હતી!


તમારી કંપનીઓ ‘સોફ્ટવેર સોલ્યુશન્સ’ અને ‘સાઈબરસ્લોપ કનેક્શન્સ’ વિશે અમને જણાવો. શું તે ઈન્ડીક કોમ્પ્યુટીંગ માટે હતી?
1988-89 માં, બે નાના બાળકોને લીધે મારી જરૂર ઘરે વધુ હતી, તેથી મેં ઘરમાં જ ઓફિસ શરૂ કરી અને ઘરેથી ફ્રી-લાન્સ પ્રોજેક્ટ કરવા માંડી. ‘સોફ્ટવેર સોલ્યુશન્સ’માં, હું પ્રોગ્રામીંગ માટે ‘ક્લીપર’નો ઉપયોગ કરતી હતી. હું કસ્ટમ-મેડ સોફ્ટવેર, એટલે કે ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે એકાઉન્ટ્સ, સેલ્સ, ઈન્વેન્ટરીનાં સોફ્ટવેર મોડ્યુલ્સ બનાવતી હતી. આમાં ઈન્ડીક કોમ્પ્યુટીંગ ક્યાંય નહતું, જોકે ગુજરાતીભાષી વેપારીઓ સાથે વાત કરતી વખતે હું ઈચ્છતી હતી કે હું તેમના માટે કંઈક કરી શકું. ‘સાઈબરસ્કોપ કનેક્શન્સ’ સ્થાપ્યા પછી મારી ઈચ્છા પૂરી થઈ. 1996-97માં મેં ‘ગુજરાત ઓનલાઈન’ પોર્ટલ વિકસાવવા માંડ્યું. તે પહેલાં તો અંગ્રેજીમાં હતું, પરંતુ પછીથી ગુજરાતી ફોન્ટ્સ ઉમેરવાથી મને સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય અને પ્રાદેશિક માહિતી ઉમેરીને વિષયવસ્તુને વધુ વિકસાવવાની સ્વતંત્રતા મળી.


‘લાઈવ વાયર! BBS’ સ્થાપવા પાછળ તમારો આશય શું હતો? તમારા આ કાર્યની ઝલક આપશો?
‘લાઈવ વાયર! ! BBS’ની શરૂઆત 1989માં સુચિત નંદાએ મુંબઈમાં કરી હતી અને કલકત્તા, પૂના, મદ્રાસ, હૈદ્રાબાદ અને વાપીમાં તે સફળતાપૂર્વક ફેલાઈ રહ્યું હતું. માઈક્રોકોમ્પ્યુટર યુઝર્સ ક્લબ  (MUC)ના સામાન્ય રસને કારણે મારો પ્રાથમિક હેતુ એ હતો કે જો અમદાવાદમાં પણ બીબીએસ નું નેટવર્ક હોય, તો MUC ના સભ્યોની સંદેશાવ્યવહારની સમસ્યા હલ થઈ જાય. જોકે, તે સિવાય પણ તે વર્ષોમાં આ વિચાર પણ ખૂબ પ્રેરક લાગ્યો હતો. 1994માં અમદાવાદમાં તેની સ્થાપના કરી, ત્યારે અમદાવાદનું તે સર્વપ્રથમ BBS હતું, સ્થાનિક નોડ ચલાવવા માટે મેં SysOp (સિસ્ટમ ઓપરેટર) તરીકે સેવા આપી. આ રીતે સ્થપાયેલા BBS ના નેટવર્ક પર સભ્યો ડાયલ-અપ મોડેમો જોડીને લોગ-ઈન થતાં, ઈ-મેલો લખતાં, ઓપન-સોર્સ અને શેરવેર સોફ્ટવેર ડાઉનલોડ કરતા, ચેટ કરતા અને ઓનલાઈન રમતો રમતા, તેમજ સંદેશાની ફોરમના જૂથમાં ભાગ પણ લેતા. આ ફોરમ હતી, ભારતનેટ (ભારતભરના બીબીએસને સાંકળી લેતી), એશિયાનેટ, ઈન્ડીયાનેટ અને ફિડોનેટ(દુનિયાભરના બીબીએસને સાંકળી લેતી) અને તેમાં કોમ્પ્યુટર, પ્રોગ્રામીંગ, મેડીસીન, કામ, સહાય, મૈત્રી, ચેટ, જેવા ઘણાં બધાં વિષયો પર ચર્ચાઓ થતી હતી. ‘લાઈવ વાયર! BBS’ના કુલ 7000 સભ્યો હતા, જ્યારે અમદાવાદમાં લગભગ 150 હતા. 


1998 માં તમે વેબસાઈટ ડેવેલપમેન્ટના કયા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું?
1998 માં? જુઓ, મોટા ભાગનું કાર્ય તો ગુજરાત ઓનલાઈન માટે હતું, જેમાં મુલાકાતીઓના સૂચનો અને માંગથી વિષયવસ્તુમાં વધારો થતો ગયો. 1998માં હાસ્ય, કવિતા અને લેખો માટેનાં જોક્સ-એન-સ્ટફ નામના પોર્ટલ પર પણ ઘણું કામ કર્યું હતું. ધીમે ધીમે મેં વ્યક્તિઓ, વેપારીઓ, ફાર્માસ્યુટીકલ કંપનીઓ, ધાર્મિક સંસ્થાઓ, અને NGO માટેની વેબસાઈટ્સ વિકસાવવાનું શરૂ કર્યું.


તમારી દ્રષ્ટિએ પ્રાદેશિક ભાષા કોમ્પ્યુટીંગ અને અનુવાદનો આજે શું સંબંધ છે?
આજે આપણે એવા બિંદુએ છીએ કે આપણને પ્રાદેશિક ભાષા કોમ્પ્યુટીંગ અને અનુવાદો જોઈશે જ. આજે જે મોટા ભાગના લોકો કોમ્પ્યુટર વાપરે છે, તેઓ અંગ્રેજી સારું જાણે છે અને કદાચ આ તેમને લાગુ નહીં પડતું હોય. પરંતુ જો આપણે વિશાળ દ્રષ્ટિથી જોઈશું, તો આપણે તે લોકોનો વિચાર કરીશું કે જેઓ તેમની પોતાની ભાષામાં કોમ્પ્યુટરો વાપરી શકે તેમ હોય. પ્રાદેશિક ભાષા કોમ્પ્યુટીંગ વગર આ અવરોધ નહીં જાય. બીજું, આપણો ઘણો મોટો ડેટાનો જથ્થો (જેમ કે ગવર્મેન્ટનો) હજી પ્રાદેશિક ભાષામાં જ છે. જો આધુનિક ટેકનોલોજી વાપરવી હોય, તો આપણને પ્રાદેશિક ભાષા કોમ્પ્યુટીંગ, અનુવાદો વગેરે જોઈશે જ. ત્રીજું અને સૌથી અગત્યનું મને એ લાગે છે કે આ રીતે આપણે આપણી ભાવિ પેઢી માટે પ્રાદેશિક ભાષા જીવંત રાખતા જઈશું.


‘ગુજરાત ઓનલાઈન’ પોર્ટલ દ્વારા ગુજરાતી સમાજને કેવો લાભ મળ્યો છે?
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત’, જેનો અર્થ છે કે ગુજરાતી લોકો જ્યાં પણ રહેવા માંડે છે, ત્યાં તેમના દિલમાં કાયમ માટે ‘ગુજરાત’ પણ ધબકતું જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતી લોકો ઔદ્યોગિક હોય છે અને તેથી તેઓ દુનિયાભરમાં, ચારેબાજુ તમને જોવા મળશે, પરંતુ, વતનથી દૂર રહેવા છતાં પણ તેઓ તેમના વતન અને લોકોને ભૂલતા નથી. તેથી મને આ હૃદયોના જોડાણની જરૂર લાગી. ગુજરાત ઓનલાઈન આવા જોડાણ માટેનું એક પ્લેટફોર્મ છે. હું સ્થાનીક માહિતી, સમાચારો, વ્યવસાય તકો, સાહિત્ય, સંગીત વગેરે દ્વારા આ પ્લેટફોર્મ સર્જવાનો પ્રયત્ન કરું છું.

 

શ્રી રામચંદ્ર મિશનના ગુજરાતી અનુવાદકોની ટીમના તમારા કાર્ય વિશે અમને જણાવશો?
શ્રી રામચંદ્ર મિશન એ આધ્યાત્મિક સંસ્થા છે, જ્યાં અમે અમારા ગુરુજી, પૂજ્ય ચારીજીના માર્ગદર્શન હેઠળ ધ્યાન કરીએ છીએ. મિશનનું મોટાભાગનું સાહિત્ય, અમારા ગુરુજીના લેખો, પુસ્તકો અને વક્તવ્યો અંગ્રેજીમાં છે. વાચકોને માતૃભાષામાં વધારે સારી રીતે સમજાય, તે હેતુથી આ સાહિત્યનો ગુજરાતીમાં (તથા ઘણી બધી ભાષાઓમાં પણ) અનુવાદ કરવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવે છે. ટીમના સભ્યો અનુવાદ કરીને લખાણને એક સભ્યથી બીજા સભ્યને સોંપે છે, કે જેથી અન્ય સભ્યે કરેલો અનુવાદ ચકાસી શકાય, જરૂર હોય તો અરસપરસ ચર્ચા કરી શકાય કે તેમાં સુધારા કરી શકાય. કાર્યની ભૂમિકા દરેક વખતે બદલાતી રહે છે. સામાન્યરીતે અમે વર્ષમાં ત્રણ પુસ્તકોનો અનુવાદ કરીએ છીએ. પુસ્તકો શ્રી રામચંદ્ર મિશન, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત થાય છે.  
કિડલીન્ક KIDLINK  માટેનું તમારું કામ અનુપમ અને રસપ્રદ લાગ્યું. તેના વિશે વધારે જણાવશો અને તે સાથે ગુજરાતના ભૂકંપ વખતે કરેલા કામ વિશે પણ જણાવશો.


કિડલીન્ક એ ઈન્ટરનેટ પર રહેલી, તમામ માટે ખુલ્લી વૈશ્વિક શાળા છે. તેની પાછળનો વિચાર એ છે કે બાળકો (વર્ષ 4 થી 18 સુધીના)ના પુખ્ત થવા સુધીના વિકાસને મદદ મળે અને તેઓ જીવન જરૂરીયાત કૌશલ્ય પણ મેળવે. વ્યક્તિગત બાળક અથવા શાળાનો કોઈ વર્ગ કિડલીન્કમાં લોગ-ઈન થઈને ભાગ લઈ શકે છે, પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે છે, તેમજ ચાલુ હોય તે પ્રોજેક્ટમાં અને કળા વગેરેમાં ભેગા મળીને ઈન્ટરનેટ દ્વારા કામ કરી શકે છે. 1990 થી તેની શરૂઆત થઈ હતી અને આજે 165 દેશોના બાળકો અહીં નોંધાયેલા છે. 2001 માં થયેલા ગુજરાત ભૂકંપ દરમિયાન મારું કામ, એ કિડલીન્કના ડિઝાસ્ટર પ્રોજેક્ટ (આપત્તિકાળ માટેનો પ્રોજેક્ટ)નું જ એક ભાગ હતું. અમે ભૂકંપગ્રસ્ત બાળકોને દુનિયા સાથે ઈન્ટરનેટ દ્વારા સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે દુનિયાભરના બાળકો સાથે મૈત્રી બાંધી, આશ્વાસન મેળવ્યું, પોતાની લાગણીઓ અને ચિત્રો દર્શાવ્યા અને હૂંફ અનુભવી. ભૂકંપગ્રસ્ત બાળકોની લાગણીઓ બહાર લાવવી અને તેમને જીવનપથ પર ચાલવા માટે ફરી પાછા તૈયાર કરવા એ અગત્યનું હતું. લાંબાગાળે આવા આપત્તિકાળ દરમિયાન થયેલા અમારા આ પ્રોજેક્ટના અનુભવોને દિનિયા સમક્ષ લાવવાનું અમે વિચારી રહ્યા છે કે જેથી આવા મુશ્કેલ સમયે બાળકોને સહાય મળે. કિડલીન્કના વેબ પેજ 12 ભાષાઓમાં છે, જેમાં ગુજરાતી બાળકો માટે ગુજરાતીમાં પણ છે. 

 
આધ્યાત્મિકતાને ઘણાં, ખાસ કરીને યુવાનો, સાવ શુષ્ક વિષય તરીકે જાણે છે. આ લોકોને તેમાં રસ પડે અને તેઓ તેનો સંબંધ સમજે, તે માટે સહજ જ્યોતના સંપાદક તરીકે તમે શું કરો છો?

ખરેખર તો આધ્યાત્મિકતા એ જીવનની રીત છે. તે ભૌતિક જીવનથી જુદી નથી; પણ જેમ મારા ગુરુજી કહે છે, તેમ આપણે જીવનને ‘સમતોલ’ રાખવાની જરૂર છે. અમે સહજ માર્ગ પદ્ધતિ હેઠળ અભ્યાસ કરીએ છીએ અને સહજ જ્યોત એ અમારું ગુજરાતી આધ્યાત્મિક ત્રિમાસિક છે. આજનો યુવાવર્ગ વિચારો, પધ્ધતિઓ અને શિક્ષણ પ્રતિ અનુરૂપ હોવાનો અભિગમ ધરાવે છે. હકીકત એ છે મેં આજના સમયમાં શ્રી રામચંદ્ર મિશનમાં બહોળો યુવાવર્ગ જોયો છે. અમે સહજ જ્યોત ત્રિમાસિકને ઈમેલ દ્વારા (યુનિકોડની મદદથી) પણ મોકલીએ છીએ; કે જેથી અમે દેશ-પરદેશના યુવાન તેમજ સહુ સુધી પહોંચી શકીએ. વર્તમાનમાં અમે 950 પ્રત છપાવીએ છીએ.


શું તમને નવી ભાષાઓ શીખવાનો રસ છે કે પછી તમે ભાષાના વિકાસાર્થે કંઈ કરી શકો તે આશયથી શીખી રહ્યા છો?
ભાષાઓ શીખવાનો મારો શોખમાત્ર છે. દરેક ભારતીય મોટેભાગે ચાર ભાષા તો શીખે જ છે – અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને પોતાની માતૃભાષા (ગુજરાતી). તે સિવાય, હું ફ્રેન્ચ પણ શીખી હતી કારણકે મને તે ભાષા ગમે છે. ભવિષ્યમાં મને બંગાળી પણ શીખવાની ઈચ્છા છે, પણ ના, ભાષા શીખવા માટે કોઈ ખાસ હેતુ નથી. જો હું ભાષાના વિકાસ માટે કંઈ કરી શકું, તો મને ચોક્ક્સ ગમશે. અને જો આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ લેન્ગવેજની વાત કરીએ, તો હા, એ ભાષાઓ હું ખાસ હેતુસર શીખી હતી!
ભાષાઈન્ડીયા પોર્ટલ વિશે તમારા મંતવ્યો પણ જરૂર આપશો.
જ્યારથી હું ભાષાઈન્ડીયાના પોર્ટલ પર આવી છું, ત્યારથી જાણે ત્યાં ચીપકી જ ગઈ છું! પહેલાં મને બહુ ખેદ થતો કે નેટ ઉપર ભારતીય ભાષાઓમાં કોઈ ખાસ કાર્ય નથી થયું. જો ભાષાનો અવરોધ ન હોય, તો વ્યક્તિ ઘણું ઘણું આંબી શકે છે. પહેલાના જમાનામાં, જ્યારે વ્યક્તિને કંઈ કહેવું હોય, તો તે માત્ર તેના સ્થાન સુધી જ સીમિત હતું. જ્યારે છાપખાનું અને પ્રીન્ટીંગ ટેકનોલોજી, પ્રેસ આવી, ત્યારે પ્રથમ ક્રાંતિ સર્જાઈ કારણકે તેના શબ્દો હવે ઘણાં સુધી પહોંચી શક્યા. ઈન્ટરનેટ દ્વારા બીજી મોટી ક્રાંતિ આવી, કે હવે વ્યક્તિના શબ્દો દૂર સુધી પહોંચી શક્યા –પરંતુ ભાષાનો અવરોધ થયો. હવે ભાષાઈન્ડીયાથી આ અવરોધ પણ હટી ગયો છે. હું કહું છું કે ભાષાઈન્ડીયા માત્ર પોર્ટલ જ નથી, તે એક પ્રકારની ક્રાંતિ જ છે અને હું આ દિશામાં કદમ ઉઠાવનાર સૌ કોઈને અભિનંદન આપું છું.


ભાષાઈન્ડીયા પરના ઓનલાઈન ગુજરાતી સમાજમાં વધારો કરવાની તમારી યોજના શું છે? અત્યાર સુધી કેવી પ્રગતિ થઈ છે?
 ‘ગુજરાતીમાં શા માટે?’, કહીને કોમ્પ્યુટર જગતમાં ઘણાં લોકો તેમના ભવાં ચઢાવે છે અને હું તેમને કાયમ કહું છું, ‘શા માટે નહીં?’ આજની દુનિયામાં અંગ્રેજીના મહત્ત્વને હું સહેજે ગણકારતી નથી, પણ કોઈ ભાષા જ ન રહે, તે મારે માટે ઘણું દુખદ છે. માતૃભાષા હંમેશાં હૃદય સાથે સંકળાતી હોય છે. ભાષાઈન્ડીયા પર ગુજરાતી સમાજ ભેગા મળીને માતૃભાષાને બચાવી શકે છે અને આ સુંદર ભાષાને જીવંત રાખી શકે છે. હું ચોક્કસપણે માનું છું કે યુનિકોડથી આ શક્ય બનશે જ. અત્યાર સુધી ભાષા વિકાસની સહાયથી માંડીને ‘આપણી ભાષા, આપણું ગૌરવ’ જેવી ચર્ચાઓની ફોરમ ગુજરાતી ભાષા માટે ચાલુ થઈ છે. અમે કોમ્પ્યુટર શબ્દો માટે ગુજરાતી શબ્દભંડોળ પણ બનાવી રહ્યા છે. ભાગ લેનારાઓની સંખ્યા દિવસે દિવસ વધતી જાય છે. તે ચોક્કસ દરેક દિશામાં આગળ વધશે!

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.