Meet Dr.V.kuzhanthaisami
દૂર રહેલા કોઈ નાનકડા ગામના ખેડૂત કુટુંબમાં જન્મેલા પ્રો. કુલન્દાઈસ્વામી, આઈ.આઈ.ટી. ખરગપુરમાંથી એમ.ટેક. ના હકદાર બન્યા અને હાઈડ્રોલોજી અને વૉટર રિસોર્સીઝ ઉપર તેમણે USAID ફેલોશીપ હેઠળ યુનિવર્સીટી ઑફ ઈલીનોઈસ, અમેરિકામાંથી પી.એચ.ડી. પ્રાપ્ત કરી.

તેમણે તેમની કારકિર્દીની શરૂઆત શિક્ષણ ક્ષેત્રે કરી અને ચેન્નાઈમાં રહેલી કોલેજ ઑફ એન્જીનીયરીંગ (હવે અન્ના યુનિવર્સિટી) માં સ્નાતકોત્તર વિષયોના વડાની પદવી પામ્યા. તેમણે હાઈડ્રોલોજીમાં શ્રેષ્ઠ ફાળો આપ્યો છે. ગણિતશાસ્ત્રની પ્રતિકૃતિઓ વિકસાવવામાં તેઓ પ્રણેતા રહ્યા, તેમણે વિકસાવેલું એક સામાન્ય સૂત્ર અને અને તેને આધારિત વરસાદીય પાણીના વહી જવા સંબંધિત વિકસાવેલું મોડેલ આજે ‘કુલન્દાઈ સ્વામી મોડેલ’ તરીકે જાણીતું છે અને તેનો હાઈડ્રોલોજીક સાહિત્યમાં, પત્રિકાઓ અને પાઠ્યપુસ્તકોમાં ઘણો ઉલ્લેખ છે. તેઓ શૈક્ષણિક આયોજન, વિકાસ અને વ્યવસ્થામાં રહ્યા. તમિલનાડુ રાજ્ય સરકારના ટેકનીકલ શિક્ષણના નિયામક તરીકે કામ શરૂ કરીને તેઓ 1978-79 સુધી સફળતાપૂર્વક મદુરાઈ કામરાજ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર રહ્યા, 1981-90 સુધી સતત ત્રણ વર્ષ સુધી અને ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU), નવી દિલ્હીમાં 1990-94 સુધી કાર્યરત રહ્યા. હાલમાં, તેઓ તમિલ વર્ચ્યુઅલ યુનિવસ્રિટી સોસાયટી ના ચેરમેનના પદે છે.

તમિલ ભાષા અને સાહિત્યની સેવા: અદ્યતન જ્ઞાન માટે તમિલનો ઉપયોગ કરીને તેને વિકસાવાઅમાં તેઓ ઊંડો રસ ધરાવે છે. સહેલાઈથી શીખી શકાય તે માટે તમિલ સ્ક્રીપ્ટ ના નવનિર્માણ કરવા માટેના તેઓ એક શૂરવીર લડવૈયા સમાન છે. સ્ક્રીપ્ટના નવનિર્માણ ની તરફેણમાં વાજબી શક્યતાઓ જાણવા માટે ગવર્મેન્ટે તેમના ચેરમેન પદ હેઠળ 1996 માં એક કમિતિ રચી. તેમનું પુસ્તક ‘સ્ક્રીપ્ટ રિફોર્મ’ અને ‘તમિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી’ ની ઘણી બધી આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે.

તેઓ તમિલના એક પ્રખ્યાત લેખક અને કવિ પણ છે. તેમનું પુસ્તક ‘વાઝહમ વલ્લુવમ’ (અમર કુરાલ) ને 1988 માં સાહિત્ય એકાદમીનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. તેમના તમિલ સાહિત્યના લેખો માટે તેમને 1980 માં શ્રીલંકાની જફના યુનિવર્સિટીએ ડી.લિટ. પદવીથી સન્માનિત કર્યા.

એક કેળવણીકાર અને ટેકનોલોજીસ્ટ હોવા ઉપરાંત તેઓ તમિલના લેખક છે અને તેમને 1988 માં સાહિત્ય એકાદમીનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. 1998 માં તમિલ સરકારે તેમને પ્રતિષ્ઠિત થિરૂવલ્લુવર એવોર્ડ માટે પસંદ કર્યા જેમાં તેમને તેમના તમિલ સાહિત્યને આપેલા ફાળા માટે કદર કરીને, નિર્દેશ, ચંદ્રક અને રૂ.એક લાખ રોકડ આપ્યા.

તેમને 1992 માં તેમના ‘સાયન્સ અને એજ્યુકેશન’ ના લેખ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મશ્રી’નું રાષ્ટ્રીય બહુમાન મળ્યું અને તેમના ‘એન્જીનીયરીંગ એન્ડ સાયન્સ’ ના લખ માટે 2002 માં ‘પદ્મભૂષણ’નું સન્માન મળ્યું.
શું તમે ‘પ્રાચીન સાહિત્ય’ ની વ્યાખ્યા આપી શકશો અને તેના વિશે અમને થોડી માહિતી આપી શકશો... ‘પ્રાચીન સાહિત્ય’ એટલે પરંપરાગત ભાષાને તમિલમાં ‘ચેવ્વીયલ મોઝી’ કહી શકાય. અંગ્રેજીમાં ‘ક્લાસીકલ’, જે મૂળ લેટિન શબ્દ ‘ક્લાસીકસ’ ઉપરથી આવ્યો છે. લેટિનમાંથી તેને ફ્રેન્ચમાં અપનાવાયો અને પછી તેને અંગ્રેજીમાં અપનાવાયો.
ભાષાશાસ્ત્રમાં પ્રાચીન સાહિત્ય એટલે બોલવા-લખવાના કે વિષયના એવા મૂળતત્વો કે જેની વિચારશક્તિ, સ્પષ્ટતા, ક્રમ, બંધન અને લોકોપયોગી રીતની દ્રષ્ટિએ, હોમર, પ્લેટો અને એરિસ્ટોટલ જેવાં પ્રાચીન ગ્રીકો નાં લક્ષણ હોય.

પ્રાચીન, પરંપરાગત એ ભાષા, શિલ્પકળા અને ચિત્રકળા, સૌને આવરી લે છે. જો કે આપણે અહીં પ્રાચીન સાહિત્ય વિશે વાત કરીએ છીએ.

યુરોપીયનો ગ્રીક અને લેટિનમાં વર્ષો પહેલાં લખાયેલા સાહિત્યને પ્રાચીન સાહિત્ય ગણતાં અને તેથી આ બે ભાષાઓ પ્રાચીન ભાષા તરીકે ગણાતી. તે દેખીતું છે કે કોઈ પણ ભાષાની સ્થિતિ પ્રાચીન ગણવી, તે તેમાં લખાયેલા પ્રાચીન સાહિત્યને આધારે હોય છે.

તમિલમાં, વિદ્વાનોને લાગ્યું કે ‘સંગમ સાહિત્ય’ પ્રાચીન છે જે રીતે ગ્રીક અને લેટિનને પ્રાચીન સાહિત્ય ગણવામાં આવે છે. ભારતીય ભાષાઓમાં, દુનિયાના વિદ્વાનો દ્વારા, પહેલાં સંસ્કૃત અને પછી તમિલને પ્રાચીન શિષ્ટભાષા તરીકે ગણવામાં આવી. તમિલને પછીથી માન્ય કરવામાં આવી, કારણ કે જેમ સંસ્કૃતમાં સાહિત્યના પુષ્કળ લખાણો યુરોપીયન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યા છે, તેવું તમિલમાં ઘણું પાછળથી કરવામાં આવ્યું છે.

ટૂંકમાં એવું કહી શકાય કે “પ્રાચીન શિષ્ટભાષા એને કહેવાય કે જેની પાસે પ્રાચીન સાહિત્ય હોય અને પ્રાચીન સાહિત્ય એટલે લેટિન અને ગ્રીક જેવા પુરાણા સાહિત્ય જેવી લાક્ષણિકતાઓ તેમાં હોય. લાક્ષણિકતાઓ એટલે ગ્રીક અને લેટિન સાહિત્ય જેવી તેમાં વિચારશક્તિ, સ્પષ્ટતા, ક્રમ, બંધન, આદર્શવાદ હોય અને તે લોકોપયોગી હોય. તે ભારપૂર્વક કહેવું જોઈએ તે ભાષાના માત્ર પ્રાચીનકાળ જ નહીં પરંતુ પ્રાચીનતાની લાક્ષણિકતાઓ ધરાવતું પ્રાચીન સાહિત્ય તેમાં હોવું જ જોઈએ. પ્રાચીનતાનો કોઈ ચોક્કસ પરિમાણ કે માપદંડ તો નથી, પણ લગભગ 1500 થી 2000 વર્ષ ગણી શકાય."
ડીજીટલાઈઝેશન અને પુસ્તકો ડીજીટાઈઝ કરવા વિશે આપના મંતવ્યો જણાવશો...
લેખન એ જ્ઞાનને સુરક્ષિત રાખવા માટે છે: મુદ્રણથી જ્ઞાનનો ફેલાવો થાય છે. આપણે એવા યુગમાં રહીએ છીએ કે જ્યાં ત્વરા અને તેની પાસે પહોંચવાની ક્ષમતા કે જેને એક્સેબીલિટિ કહેવાય છે, તે અગત્યના છે. જ્ઞાનનો વિસ્ફોટ જોતાં અને માની ન શકાય તેવી ત્વરાથી પેદા થતું નવું જ્ઞાન જોતાં, આપણી પાસે પરંપરાગત મુદ્રણ કરતાં કોઈ વધુ અસરકારક વહેવારનું માધ્યમ હોવું જરૂરી છે. ડીજીટલ વ્યવહાર અને ડીજીટલ પુસ્તકો અને ડીજીટલ લાઈબ્રેરી આ નવી સેવા પૂરી પાડી શકે છે. આજે માનવી પાસે ઈન્ટરનેટ જેવું જ્ઞાન મેળવવા માટેનું પ્રચંડ માધ્યમ છે, જે સર્વ વિશ્વકોશો કરતાં પણ વધુ છે. માત્ર આંગળીના ટેરવે એક બટન દ્વારા આટલા વિશાળ અને પરિવર્તનક્ષમ તેમ જ પ્રમાણિક સ્ત્રોત દ્વારા માહિતીનો ઢગલો મેળવી શકાય, તે ખરેખર આશ્ચર્યજનક છે. ડીજીટલાઈઝેશન એ એવું માધ્યમ છે, જેના દ્વારા ઘણાં લોકોને, જેને પહોંચી પણ ન શકાય, તેને અમૂલ્ય માહિતી પહોંચાડવાનું માધ્યમ છે.
આપ ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીના VC તરીકે રહ્યા અને હવે આપ તમિલ વર્ચ્યુઅલ યુનિવર્સિટીના ચેરમેન પદે છો. તે રીતે જોતાં, શું આપ આ બંને શૈક્ષણિક પધ્ધતિઓ વચ્ચેનો તુલનાત્મક અભિપ્રાય આપી શકશો?
ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી એ મલ્ટિમીડીયા સંસ્થા છે: તે મુદ્રિત થયેલ સામગ્રી, રૂબરૂ મુલાકાત, એસાઈનમેન્ટ્સ, ટેલિકોન્ફરેન્સીંગ અને વર્ચ્યુઅલ વર્ગો ધરાવે છે. તમિલ વર્ચ્યુઅલ યુનિવર્સિટીના કોઈ પાઠ મુદ્રિત થયેલા નથી. રૂબરૂ મુલાકાતો યોજાતી નથી, તેમ છતાં બંને વચ્ચે માધ્યમ સરખું છે

IGNOU એ સામાન્ય પ્રકારનું દૂરથી શિક્ષણ આપતી સંસ્થા છે, જે અન્ય યુનિવર્સિટીઓની જેમ દરેક વિષયો પર રૂઢિગત રીતે શિક્ષણ આપે છે. જ્યારે TVU તમિલ સમુદાયને અથવા તો જેને તમિલ શીખવામાં રસ હોય, તેને માત્ર તમિલ ભાષા જ શીખવાડે છે. તે બીજો કોઈ વિષય નથી શીખવાડતી. મારી જાણ મુજબ, તે દુનિયાની એકમાત્ર યુનિવર્સિટી છે, જે તે ભાષા શીખવાડવા માટે સ્થાપવામાં અઅવી હોય.
આપના મત મુજબ, આજે બધી જ ભારતીય ભાષાઓની શું જરૂરિયાત છે..
સામાન્ય રીતે, કોઈ પણ ભાષા દ્વારા તે ભાષા બોલનારા લોકોની સામાજિક, રાજકીય, આર્થિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંતોષાવી જોઈએ. જેમ જેમ દેશમાં વિકાસ થાય છે, તે લોકોની ભાષા પર જણાય છે. ભારતની વાત કરીએ, તો તે લગભગ 200 વર્ષ સુધી બ્રિટિશ સરકાર હેઠળ રહ્યું અને બીજી બધી જગ્યાઓએ જેવો વિકાસ થયો, તેવો ભાષામાં ન થયો અને વધુ અભ્યાસ માટે અંગ્રેજી જ વપરાતું રહ્યું. તેથી દુનિયામાં ઉપલબ્ધ જ્ઞાન અને આપણી ભાષાઓમાં ઉપલબ્ધ જ્ઞાન વચ્ચે તફાવત રહેતો ગયો. આ તફાવત જ આપણી ભાષાઓની ઊણપ માટે જવાબદાર છે. એક બીજી પણ અસાધારણ વાત છે: અદ્યતન જગતમાં જ્ઞાનનો ફેલાવો અત્યંત વેગથી આગળ વધી રહ્યો છે, આપણી ભાષાઓ આ વધતી જતી ઝડપને પહોંચી શકતી નથી. આ તફાવતને પહોંચી વળવા આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણી ભાષાઓમાં ઊણપ હોવાનું આ જ કારણ છે.

જો તમે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર ટેકનોલોજી વિશે વિચારો, તો આપણો વિકાસ અન્ય દેશો સાથે તાલ મિલાવી રહ્યો છે. આપણે તેમની નજીક આવી ગયા છીએ. આ શાખામાં આપણું સાહિત્ય બીજી શાખાઓ કરતાં ઘણું છે.
ભારતીય ભાષાઓ ભાષા સંબંધિત સોફ્ટવેર ઉપકરણો વડે સુસજ્જ નથી. શું આપ અમને કહી શકો કે આ ક્ષેત્રમાં અમે કેવી રીતે સારું કરી શકીએ?
જો તમારે લેંગ્વેજ કોમ્પ્યુટિંગની દ્રષ્ટિએ જરૂરી સોફ્ટવેર તૈયાર કરવા હોય, તો તમારે કારભાર માટેના સોફ્ટવેર તૈયાર કરવા જોઈએ, જેવા કે અનુવાદ, જોડણી-તપાસ, અક્ષર ઓળખ, વાણી ઓળખ, સર્ચ એન્જિન્સ અને એવી અન્ય સગવડો. કીબોર્ડ અને કોડિંગ પધ્ધતિનું સામાન્યીકરણ પણ ખૂબ અગત્યનું છે. આ બધાં પાસાંઓ માટે ખૂબ સંશોધનની જરૂર છે અને ઘણું નાણાભંડોળ હોવું પણ જરૂરી છે. એવું લાગે છે કે સ્થાનીક રીતે થતાં સંશોધન, પહેલ અને નવીનતાના પ્રયત્નો કરતાં કદાચ આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંસ્થાઓની પહેલ વધારે છે.
પ્રાદેશિક ભાષાઓમાં અદ્યતનતા, ટેકનીકલ વિકાસ અને ટેકનીકલ પુસ્તકો વિશે આપનું મંતવ્ય જણાવો...
જગતમાં રહેલું બધું જ્ઞાન આપણે 15 ક્ષેત્રોમાં વિભાજિત કરી શકીએ. સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરેક ભાષા પાસે આ બધાં જ ક્ષેત્રોમાં પૂરતા પુસ્તકો હોવાં જોઈએ. વધુ આગળના વિષયોમાં પુસ્તક પ્રકાશનનો આધાર, તે ભાષામાં આ કાર્ય કરવા માટે થયેલી ખાસ તૈયારી પર તેમ જ સમાજમાં તે પુસ્તકોના ઉપયોગ પર છે.

સામાન્ય રીતે પ્રગતિનો આધાર વિકાસ અને વપરાશ, તે બંને પર છે. તમે એક ડગલું ભરો, મક્કમતાથી ઊભા રહો, અને બીજું ડગલું ભરો અને આ જ રીતે આગળ વધાય છે. તે જ રીતે, ભાષામાં પણ તમે કોઈ નવીન વિકાસ માટે પુસ્તક લઈ આવો, જેમ કે કોઈ નવા જ વિષય પર પુસ્તક પ્રકાશિત કરો, તે એક ડગલું ભરવા જેવું છે. જે પુસ્તકો પ્રકાશિત થાય, તે ઉપયોગી બનવા જોઈએ. તે બીજું ડગલું ભરવા સમાન છે. જો તેમાંથી કોઈ એક નહીં બને, તો વિકાસ નહીં થાય. પુસ્તકો પ્રકાશિત કરવા માટે વિષયની તે શાખા માટે ભાષા તૈયાર હોવી જોઈએ, જરૂરી શૈલી અને વ્યાકરણ હોવું ખાસ જરૂરી છે. આ સંબંધે આપણે ટેકનીકલ શબ્દોની પણ કોઈ ભાષામાં વાત કરવી જોઈએ. જો પુસ્તકો નો વપરાશ થાય, તો જ આ બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવી જોઈએ. આપણી ભાષાના માધ્યમ દ્વારા આપણી ભાષાની પ્રગતિ અને શિક્ષણ, એ બંને એક બીજા પર આધાર રાખે છે. આ બંને હેતુ માટે એકસાથે પ્રગતિ થવી જોઈએ.